ધડાધડ જાતે બનાવો વેબસાઇટ
તો તમને પણ વેબસાઇટ બનાવવાની ઇચ્છા જાગી છે? સરસ! આમ તો, સામાન્ય રીતે ત્રણ સ્થિતિમાં તમને વેબસાઇટ બનાવવાનો વિચાર આવી શકે - તમારે તમારા બિઝનેસને વધુ વિસ્તારવો હોય, ઇન્ટરનેટ પરથી કમાણીની વહેતી ગંગામાં ઝંપલાવવાની ઇચ્છા જાગી હોય, અથવા તો પછી અમસ્તાં જ ગમતાંનો ગુલાલ કરવા - વિચારોકવિતા વગેરેની લ્હાણી કરવા પૂરતું જ પોતાની વેબસાઇટ હોય તો ઠીક એવો વિચાર આવ્યો હોય.આમાંથી પહેલી સ્થિતિ હોય, બિઝનેસને સીરીયસલી વિસ્તારવાની, તો તમારે કોઈ અનુભવી વેબડેવલપરની જ મદદ લેવી સારી. કમાણી કરી લેવાનો વિચાર હોય તો આવો પ્રયત્ન કરવા માટે ઘણી કંપનીઓ વેબસાઇટ બનાવી આપવાની અને પેપરક્લિક જેવી કમાણીની તક સાથે તમને સાંકળી આપવાની ઑફર કરતી હોય છે. ઇન્ટરનેટ પરથી કમાણી શક્ય છે, પણ એ માટે પૂરતી જાણકારી હોવી જરૂરી છે. અનુભવ વિના, ભવિષ્યની કમાણીનાં સપનાં માટે ભૂતકાળની મહેનતની કમાણીને વેડફવી સારી નહીં.
છતાં, પ્રયાસ કરવો હોય તો? અથવા તો, છેલ્લી સ્થિતિ અનુસાર ફક્ત બ્લોગ બનાવવાની ઇચ્છા હોય તો? સૌથી સહેલો રસ્તો તમારો બ્લોગ બનાવવાનો જ છે (બ્લોગ અને વેબસાઇટમાં ગૂંચવાતા હો તો જાણી લો કે બંને મૂળમાં એક જ વાત છે, બ્લોગમાં કોઈ ટેકનિકલ જાણકારી જરૂરી નથી, પ્રોફેશનલ વેબસાઇટ માટે એ જરૂરી છે). ઇમેઇલ એકાઉન્ટ ખોલાવો એટલી સહેલાઇથી તમે (www.wordpress.com) કે (www.blogger.com) પર જઈને તમારો બ્લોગ બનાવી શકો છો.
આ બંને સૌથી લોકપ્રિય સર્વિસ છે. તેમાં તમારી સાઇટના એડ્રેસમાં (www.yourname.wordpress.com) જેવું નામ ચલાવી લો તો બંને સર્વિસ મફત છે. તમારું પોતાનું ડોમેઇન એડ્રેસ હોય તો બ્લોગર પરના બ્લોગને એ એડ્રેસ પર રીડાઇરેક્ટ કરવાની સુવિધા મફત છે, વર્ડપ્રેસ પર એ સગવડ મેળવવાનું કામ થોડી મહેનત અને જાણકારી માગી લે છે. તેમ, કમાણીના મૂળ રસ્તા જેવી ગૂગલની એડસેન્સ સેવા બ્લોગરમાં ઇનેબલ કરવી સહેલી છે, વર્ડપ્રેસમાં થોડી મુશ્કેલ છે.
તો હવે સવાલ એ છે કે આ બંને સિવાય કોઈ રસ્તો ખરો? ઉપરાંત, આખરે તો આ બંને બ્લોગિંગ સર્વિસ છે. પ્રોફેશનલ લાગતી સાઇટનો જ આગ્રાહ હોય અને કમાણીનો મુદ્દો જતો કરવાની તૈયારી ન હોય તો?
તો રસ્તો છે વેબ્લી (www.weebly.com)નો. આ સર્વિસ ટાઇમ મેગેઝિનની ૫૦ બેસ્ટ વેબસાઇટ્સની યાદીમાં સ્થાન પામી છે. અહીં તમે સાઇટ અને બ્લોગ બંનેનો લાભ મેળવી શકો છો, મફતમાં. આ સાઇટ બનાવવા માટે કોઈ ટેકનિકલ જાણકારીની જરૂર નથી. અહીં પણ, સાઇટના એડ્રેસમાં પાછળ (weebly.com)નું છોગું ચલાવી લો તો તરત, મફતમાં સાઇટ બનાવીને લાઇવ કરી શકશો. નવું ડોમેઇન નોંધાવવું હોય તો થોડી કડાકૂટ છે અને મોંઘું છે. તમારું પોતાનું ડોમેઇન હોય તો સાઇટને ત્યાં રીડાઇરેક્ટ કરી શકશો, મફતમાં જ.
સૌથી પહેલાં, તમારી પસંદનું યુઝરનેમ અને પાસવર્ડ નક્કી કરીને સાઇટમાં તમારું એકાઉન્ટ ખોલાવો. પછી, જેમ ઇમેઇલમાં કમ્પોઝ ન્યૂ મેઇલનું બટન પ્રેસ કરીને નવો ઇમેલ લખો તેમ અહીં વારાફરતી જુદા જુદા વિકલ્પ પસંદ કરીને તમારી સાઇટ બનાવી શકો છો. ઇન્ટરફેસ ખરેખર સરળ છે. સાઇટમાં લખાણ મૂકવું છે, ફોટો મૂકવો છે, ફોટો બદલવો છે... જે ઇચ્છો તે તમે ફક્ત ડ્રેગ એન્ડ ડ્રોપ એડિટરની મદદથી કરી શકો છો. ઈંગ્લિશ વાંચીને સમજતાં અને માઉસ ચલાવતાં આવડે તો અહીં તમે વેબસાઇટ બનાવી શકો છો. સૌથી સારી વાત એ છે કે અહીં મફત વર્ઝનમાં ફક્ત અમુક જ પેજ કે સાઇઝની વેબસાઇટ જેવી કોઈ મર્યાદા નથી. ફક્ત, ઓડિયો પ્લેયર કે વિડિયો કે કોઈ ડોક્યુમેન્ટ એમ્બેડ કરવું હોય તો તમારે પૈસા ખર્ચીને પ્રોએકાઉન્ટ ખોલાવવું પડશે.
આ સાઇટ તમારી વેબસાઇટ પર ધરાર, તેની મરજીની એડનો મારો પણ કરતી નથી. હા, તમે ઇચ્છો તો ગૂગલ એડસેન્સની સર્વિસ ચાલુ કરીને કમાણી ચાલુ કરી શકો છો.
સાઇટને ડિઝાઇન કરવા માટે પણ અનેક ઓપ્શન્સ છે. તમે એને તમારી ઇચ્છા પ્રમાણે કસ્ટમાઇઝ પણ કરી શકો છો. એચટીએમએલ અને સીએસએસની થોડી જાણકારી હોય તો આ સર્વિસ તમને એ પણ કરવા દે છે. અલબત્ત, એમાં તમે જાણકાર હો તો જ આગળ વધવું! આખી સર્વિસના ફિચર્સ એક વાંચી, સમજીને આગળ વધશો તો વધુ મજા પડશે.
ટૂંકમાં, પોતાની સાઇટ બનાવવી હોય, કમાણી કરવાનાં સપનાં હોય, તો એક પણ પૈસો ખર્ચ્યા વિના અજમાયશ કરી જોવા માટે આ સર્વિસ બિલકુલ ખોટી નથી.
0 comments:
Post a Comment